રૂટગર્સ યુનિવર્સિટીનો જાતિને અલગ કેટેગરીમાં રાખવા ઇનકાર

રૂટગર્સ યુનિવર્સિટીએ જાતિગત ભેદભાવ પર પોતાનું વલણ યથાવત્ રાખતાં કેમ્પસમાં આવા ભેદભાવો રોકવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સાથે જ યુનિવર્સિટીએ તેની ભેદભાવ વગરની નીતિઓમાં “જાતિ” ની એક અલગ સંરક્ષિત કેટેગરી નહીં બનાવવાનો પણ નિર્ણય કર્યો હતો. આ નિર્ણય રૂટગર્સ યુનિવર્સિટી અને રૂટગર્સ AAUP-AFT યુનિયન વચ્ચેના કરાર દ્વારા જાતિગત ભેદભાવ પર તેના ટાસ્ક ફોર્સના તારણોની સમીક્ષા કર્યા પછી લેવાયો હતો.

ઓગસ્ટ 2024માં જાહેર કરેલા રીપોર્ટમાં ટાસ્ક ફોર્સે સ્વીકાર્યું હતું કે, “રૂટગર્સ યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે, આપણા યુનિવર્સિટી સમુદાયમાં કેટલાક લોકોની ક્ષમતા અને તકોને મર્યાદિત કરે છે.” જોકે, યુનિવર્સિટીની ભેદભાવ રહિત નીતિમાં જાતિને એક અલગ કેટેગરી તરીકે રાખવાનો અનુરોધ કરવાને બદલે, ટાસ્ક ફોર્સે ભલામણ કરી હતી કે જાતિ આધારિત ભેદભાવને વંશ, ધર્મ અને રાષ્ટ્રીય વતન જેવી વ્યાપક વર્તમાન કેટેગરીઝ હેઠળ સમાવવો જોઈએ.

યુનિવર્સિટીએ ૧૩ જાન્યુઆરીના રોજ ઇસ્યુ કરેલા એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે, તે જાતિ આધારિત ભેદભાવના તમામ પ્રકારો પર પ્રતિબંધ જાળવી રાખશે. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, તે ઓફિસ ઓફ એમ્પ્લોયમેન્ટ ઇક્વિટી (OEE) વેબસાઇટ જેવી અધિકૃત ચેનલ્સ દ્વારા જાતિગત સંબંધિત મુદ્દાઓ સહિત તેની ભેદભાવ વિરોધી નીતિઓ અંગે ચર્ચા વધારશે. આ ઉપરાંત રૂટગર્સ યુનિવર્સિટી ભવિષ્યમાં કેમ્પસના સર્વેમાં જાતિ સંબંધિત પ્રશ્નો રજૂ કરવાનું વિચારે છે, જેનાથી યુનિવર્સિટી જાતિગત ભેદભાવના વ્યાપ અને તેની અસર પર માહિતી-આંકડા એકત્રિત કરી શકે અને તે ભવિષ્યની નીતિઓ અને શૈક્ષણિક પહેલના વિકાસ માટે મદદરૂપ થાય.

યુનિવર્સિટીના આ નિર્ણયને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આવકાર્યો છે. ફાઉન્ડેશને જાતિની અલગ કેટેગરી બનાવવાનો અનુરોધન ફગાવવા બદલ રૂટગર્સની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *